થર્ડ વેવ: શાળાઓને ઓફલાઇન શિક્ષણનો આગ્રહ રાખવો નહી, ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ આપવો- શિક્ષણ મંત્રી
'જનરેશન Z'ની લાઇન:વેક્સિન લેવા સવારથી જ સ્ટુડન્ટમાં ઉત્સાહ, શિક્ષણમંત્રીએ કહ્યું-સ્કૂલો ઓનલાઇન શિક્ષણનું ઓપ્શન આપે
આધાર કાર્ડ કે અન્ય પુરાવો ન હોય તોપણ માતા-પિતા કે સ્કૂલના શિક્ષક-આચાર્યના મોબાઈલ પરથી રજિસ્ટ્રેશન કરાવી રસી લઈ શકાશે
અમદાવાદમાં સ્કૂલ કેમ્પસમાં અલગ અલગ રૂમ ફાળવવામાં આવ્યા
રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીના કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15થી 18 વર્ષની વયના કિશોરો (જનરેશન Z) કોરોના વેક્સિન આપવાના અભિયાનને ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોનાવાલા હાઇસ્કૂલથી શરૂ કરાવ્યું હતું. ત્યાર બાદ રાજ્યભરમાં ટીનેજર્સને વેક્સિન આપવાની શરૂઆત થઈ હતી. વેક્સિન માટે ટીનેજર્સે લાઇન લગાવી હતી.
મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને તેમણે કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી. તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર પર જઈને સીધા રસી મુકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે.
કોરોનાના કેસો વધવા લાગતાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ સ્કૂલોને ઓફલાઇન શિક્ષણનો આગ્રહ ન રાખવા અને ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ આપવા સૂચના આપી છે.
અમદાવાદ સિવિલમાં આરોગ્યમંત્રીએ વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે આવેલા 9 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે. એ ઉપરાંત તેમણે સિવિલના સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે વધુ વિદ્યાર્થીઓ રસી લે એવી અપીલ પણ કરી હતી. બીજી બાજુ, શહેરની વેજલપુર વિસ્તારની RR ત્રિવેદી સ્કૂલમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આજે 300થી વધુ બાળકોને વેક્સિન અપાશે. શહેરમાં વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. RR ત્રિવેદી સ્કૂલમાં વેક્સિન લેનારી પહેલી વિદ્યાર્થિની પૂજા અદરેશિયાએ જણાવ્યું હતું કે હસી લેતાં પહેલાં કન્ફ્યુઝનની સાથે એક્સાઇટમેન્ટ હતું, પરંતુ હવે વેક્સિન લીધા બાદ સારું લાગી રહ્યું છે. તેણે તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.
શું છે જનરેશન Z?
2003થી 2007 વચ્ચે જન્મેલાં બાળકોની જે જનરેશન છે તેના માટે જનરેશન Z અથવા શોર્ટમાં Gen Zથી ઓળખાય છે. એને બોલચાલની ભાષામાં ઝૂમર્સ તરીકે પણ ઓળખાય છે.
નાની ઉંમરથી જ ઈન્ટરનેટ અને ડિજિટલ ટેક્નોલોજીની ઍક્સેસ સાથે ઊછરેલી આ પેઢીને "ડિજિટલ નેટિવ્સ" તરીકે ઓળખવામાં આવે છે. આ પેઢી જન્મે ત્યારથી જ ડિજિટલ ગેજેટ્સ તેના હાથમાં આવી જાય છે. અગાઉની પેઢીઓની સરખામણીમાં કેટલાંક વિકસિત રાષ્ટ્રોમાં જનરેશન Zના કિશોરો સારી રીતે વર્તે છે. તેના વિચારો પણ એડવાન્સ હોય છે. જનરેશન Z કિશોરો અભ્યાસ કરવાની સાથે-સાથે નોકરી કરવામાં પણ માને છે, એટલે અત્યારે જે પેઢી 15થી 18 વર્ષની ઉંમરની છે તે ઝૂમર્સ જનરેશન તરીકે ઓળખાય છે. આ પેઢીનાં બાળકો જે શબ્દો બોલે છે એ ડિજિટલ યુગના શોર્ટ શબ્દો છે, જેમ કે ફેબ્યુલસને ફેબ કહે. આનંદ લેવાનો હોય ત્યારે જસ્ટ ચિલ... શબ્દ વાપરે. કોઈ ગુસ્સો કરે ત્યારે કૂલ શબ્દ વાપરે. આ રીતે અત્યારની પેઢીની વ્યાખ્યા થાય છે.